ગુલમહોર
હેતલકુમાર ભટ્ટ સંચાલિત અભિવ્યક્તિ સાંસ્કૃતિક પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે.

રાધા વિરહ

 

 

રાધા વિરહ

Image

આજે મન સવારથી બેચેન હતું. કામમાં મન લાગતું ન હતું અને તારી યાદ રહી રહી ને આવતી હતી. ઈન્ટરનેટને ખોળે ખાંખા ખોળા કરી તારી ભાળ મેળવવાનો ક્ષુલ્લુક પ્રયાસ પણ કરી જોયો પરંતું ઝાંઝવાની નીરની જેમ તું હાથ ન આવી. તારી કોઈ નીશાની શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું પણ આજે વીસ વર્ષે કોણ જાણે કેમ મન બ્હાવરું બની ગયું છે તારી ભાળ મેળવવા. 

હું વારંવાર જુદા જુદા વિચારોના વહાણમાં બેસી મધદરિયે કોઈ ટાપુ પર જવા પ્રયત્નો કરી રહ્યો છું ત્યારે વર્ષોથી શાંત રહેલો સાગર આજે એકા એક ધુધવતો થઈ ગયો છે અને મને તારી ભાળ મેળવવા વારે વારે કીનારે લઈ જઈ રહ્યો છે.

આજથી વીસ વર્ષ પહેલા તે મારા કારણે તારા પગે બેડીઓ બાંધી હતી અને તે પણ હસતે મ્હોંએ. હું આજે મારી જાતને દોષિત માનું છું ક્યાંક મારા કારણે તો તું આ દુનિયામાં તારી ઓળખ ખોઈ બેઠી નથીને ? કદાચ હું ખોટો પણ હોઉં અને તું તારા દામ્પત્યજીવનમાં એ સર્વ સુખ મેળવતી હોય જે હું ન આપી શક્યો હોત પરંતું તેમ છતાંયે વીસ વર્ષ પહેલાં જે લાગણીઓને હ્રદયના કોઈક અજાણ્યા ખૂણે ધરબી દીઘી હતી તે આજે મારા હ્રદયના રક્તબીજ સાથે અંકુરીત થઈ રહી છે. આજે નથી મારા સહકર્મી મિત્રો પણ મને બોલાવતા કે નથી કોઈ ફોન આવી રહ્યા આ એક કેવો સમન્વય છે કે મન તારા વિચારોથી દુર થવા માંગે છે પણ દુનિયાસંગે અંતરપણ આજે મારી પાસે ખૂલાસો માંગે છે તને એકલી છોડી હતી તે બાબતનો, અને ઉપરથી લપડાક એવી મારી છે કે કોલેજ કાળના સર્વ મિત્રો પણ આજે જોજનો દુર છે મારાથી. નથી મારો ધર્મનો માનેલ સહોદર કે જેણે આપણા પ્રેમની વાતને સંવેદનાના નીરમાં નીચોવીને સીગરેટના કશમાં ફુંકી મારી હતી અને હું પણ મજબુર છું કે આજે તારી યાદ દુર કરવા કાંઈ પી શકતો નથી. કોની સાથે આજે મારા હ્રદયની વ્યથા વ્હેંચુ ? કુદરતે કેવી લપડાક મારી કે તને છોડી હતી આ દુનિયામાં એકલી અટુલી પણ આજે હું બની ગયો એકલો અટુલો.  મારી દુનિયામાં હુ દુખી નથી પરંતું હુ એટલો આશ્વસ્થ પણ નથી કે તું સુખી છો અને એજ મારું દુખ છે. ક્યાંક આ લેખ વાંચવા મળી જાય તો એટલું કહું છું કે તારા વાવડ મારા સુધી પહોંચાડજે. ભલે તે તારું ઠેકાણું બદલ્યું પરંતું આજ દિન સુધી હું તો એજ ઠેકાણે રહું છું જ્યાં તુ આવતી હતી. હજી પણ તારી યાદના વમળો મારા શાંત હ્રદયને વારંવાર બેચેન કરી રહ્યા છે પરંતું હું શું કરું, નથી નફરત કરી શકતો કે નથી તારા તરફ ઢળી શકતો માત્ર અને માત્ર નિશ્ચેતન બની કંઈ ન કરી શકવાનો ડોળ માત્ર કરી રહ્યો છું. હું ચાહું તો તારી ભાળ મેળવવી શક્ય છે પરંતું ત્યારબાદ મારી જાતને કે તારા પ્રેમને સંભાળવાની શક્તિ મારામાં નથી રહી.  આપણો પ્રેમ વિશુધ્ધ છે અને મને ખાત્રી છે કે તારા મનમંદિરના કોઈક ખૂણે તે મારી મૂર્તિ સ્થાપિત કરી હશે પરંતું એટલું યાદ રાખજે કે જો તું રાધા બની વિરહે છે તો મારી જાતને કૃષ્ણ તો ન કહી શકું પરંતું આ કૃષ્ણભક્ત પણ સદાકાળ તારી યાદમાં સતત નિસ્તેજ બની રહ્યો છે અને ભૌતિક સુખોની આંધળી દોડમાં ક્યાંક સમય જતાં બુઝાઈ જશે પરંતું એટલો વિશ્વાસ રાખજે કે મારો માહ્યલો આવતે જન્મ તારી સાથ સપ્તપદીના સાત ફેરા ફરી સાત જન્મ સુધી તારી સાથે રહેશે. ક્યાંક મારાથી પહેલાં આ જગ છોડી ના જતી નહીતર મારી રાધાભક્તિમાં ખોટ વરતાશે.  ક્યારેક તો સ્વપનમાં મળજે. 

તન-મનથી રુકમિણી અને મનથી રાધા વચ્ચે વહેંચાયેલો કૃષ્ણ ભક્ત

ઉપર આલેખાયેલી વ્યથાકથા આજના સમયમાં ઘણા ખરા અનુભવતા હશે અને પોતાના ભૂતકાળને યાદ કરી પોતાના વર્તમાન અને ભવિષ્યનું અનુંસંધાન કરતા હોય છે પરંતું એટલી જ સહજતાથી કે પોતાની પત્નીને આ વાતનો અણસાર શુધ્ધા નથી આવવા દેતા.

જીવન સંધ્યાના અસ્તાચળે આવી ઉભેલા કંઈક વડીલો જ્યારે પોતાના જીવનસાથીને ગુમાવી અથવા તો પરિવારના અન્ય સભ્યોની બીજી પ્રાથમિકતા બની એકલા પડે છે ત્યારે તેઓ અચુક પોતાના જીવનચક્રને વાગોળી પોતાનો સમય વ્યસ્ત કરે છે પરંતું આમ કરતાં તેઓ વધુ દુઃખ અનુભવે છે કારણકે આવા સમયે તેઓને પોતાના બાળસખાઓ કે જીવનસાથી સાથે પસાર કરેલ સુખમય દિવસોની યાદ આવે છે. આજ પીડા મર્યાદા પૂરષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી તથા પૂર્ણ પૂરષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણે પણ અનુભવી હશે જ. જીવનના અંતિમ ચરણમાં પ્રભુશ્રી રામચંદ્રજીએ જે સીતા માતા માટે ત્રિલોક વિજયી મહાપરાક્રમી રાવણ સામે યુધ્ધ કરી મહાત કર્યો તેવા પોતાના પ્રાણપ્રિય સીતાને એક ધોબીના કટુવચને ત્યાગ કરી જે અન્યાય કર્યો તે પીડા સતત દુઃખી કરતી રહી. ભલે રાજા રામ અશ્વમેધ યજ્ઞ કરી વિશ્વ સમ્રાટ બન્યા પરંતું પોતાની જીવનસંગીની સીતાએ ધરતીમાતાની ગોદમા સમાઈ પોતાની લીલા સંકેલી આ દુઃખથી પોતે ક્યારેય બહાર ન આવી શક્યા તેઓ પોતાની જીવનસંગીનીને ગુમાવવાના દુઃખ કરતાં તેની સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરતાં વધુ દુઃખી થતા અને વર્ષોની કઠોર સામાજીક તપસ્યા કરીને મળેલ રાજપાટ ભોગવવાના બદલે તેને પોતાના ભાઈઓ તથા દિકરાઓને સોંપી સમાધિસ્થ થયા. આ પ્રસંગોને ધાર્મિક કે સામાજિક દ્રષ્ટિકોણથી જુઓતો કદાચ સામાન્ય લાગે પરંતું તે સમયે મર્યાદા પૂરષોત્તમ કહેવાતા રામચંદ્રજીની મનોસ્થિતિને અનુભવવાનો ક્ષણિક પ્રયાસ તો કરી જુઓ તમારી હ્રદયસિતારમાંથી પણ શોકમગ્ન સૂર છેડાઈ મસ્તિષ્ક સહિત મનસાગરને વલોવી નાખશે તો રામચંદ્રજીએ કેટલી હદે તે અનુભવી હશે ? 

વાત હવે આપણા સૌના મહાનાયક અને મારા અંતરમનના સખા એવા પૂર્ણ પૂરષોત્તમ શ્રી કૃષ્ણની. આજના આ કોલાહલમય વાતાવરણ અને ભાગદોડ ભરી જીંદગીમાં વૃંદાવનમાં યમુના કિનારે વાંસળીના સૂર વિસરાઈ રહ્યા છે તો કુરૂક્ષેત્રે પંચજન્ય શંખનો એ નાદ પણ ક્યાંક દબાઈ ગયો છે. આજની આ યુવાન પેઢી રાધાકૃષ્ણની પ્રીતને પોતાના જીવનસાથીને ખૂશ કરવા ટાંકે છે, કવિઓ પણ પોતાની કવિતામાં રાધાના વિરહની વાતો કરે, કૃષ્ણ ખૂબ સસ્તો કે જ્યારે ને ત્યારે વખાણ કરવા હોય કે ટીકા કરવી હોય ત્યારે કોઈ પણ જાતની રોયલ્ટી લીધા વિના પોતાના નામને વાપરવા દે. આજના સમયમાં જ્યારે લૈલા મજનુ, શીરી ફરહાદ, રોમિયો જુલીયેટ વગેરે ના પ્રેમને પોતાનો આદર્શ માનનારું યુવાધન ક્યાંક પૂર્ણ પૂરૂષોત્તમ કૃષ્ણ અને સખી રાધાનો વિશુધ્ધ પ્રેમ વિસરી ગયું છે. 

રાધા કૃષ્ણના પ્રેમ અંગે જે કોઈ લખાણો લખાયા તેમાં તેમના હૃદયની લાગણીઓની તો ખબર નથી પરંતું લેખકે તે પવિત્ર પ્રેમને જે પ્રકારે મૂલવ્યા તે પ્રકારે લોકોએ વાંચીને સ્વીકારી લીધા. કવિઓ કે લેખકોએ પણ સમાજમાં જેમ વર્ષોથી ચાલતું આવ્યું છે તેમ સ્ત્રી દાક્ષણ્યની ભાવના બતાવી રાધાના વિરહને ન્યાય આપ્યો પરંતું આજે મને જે લાગણી કૃષ્ણ માટે છે તે મોતી કદાચ આજ દિન સુધી આટલા વિશાળ સાહિત્યના સાગરમાં મળ્યું નથી. 

કહેવાય છે કે કૃષ્ણએ જે દિવસે રાધા અને વૃદાવન છોડ્યું તે જ દિવસથી કૃષ્ણએ પોતાની પ્રિય એવી મોરલી પણ વગાડવાની બંધ કરી દીધી અને રાતો રાત તે પરિપક્વ બની ગયા અને સમાજ કલ્યાણર્થે પંચજન્ય શંખને પોતાનો કરી લીધો. આ એજ શંખ છે કે કુરૂક્ષેત્રમાં તેના ધ્વનિથી અધર્મ વિરૂધ્ધ ધર્મના સંગ્રામની શરૂઆત કરાઈ હતી. 

સમય પસાર થતો ગયો અને કૃષ્ણ સામાન્ય ગોવાળિયામાંથી દ્વારિકાના રાજાધિરાજ બની ગયા. સમયની સાથે પોતાના માનવદેહ ધારણ કરવાના ઉદ્દેશ્યના ભાગરૂપે લોકકલ્યાણના કાર્યો તેમજ અધર્મનો નાશ કરી ધર્મનું સ્થાપન કરવામાં પોતાના તન-મનને ઝબોળી દીધું. આ દરમ્યાન વિધાતાના લેખ મુજબ રૂકમણિ, જાંબુવંતી, સત્યભામા, સત્યા, લક્ષ્મણા, કાલિંદી, ભદ્રા, મિત્રાવિંદા મળી આઠ પટરાણી સહીત નરકાસુરના ત્રાસમાંથી મુક્ત કરાવેલ 16100 સ્ત્રીઓના સન્માનઅર્થે પત્નીનો દરજ્જો આપ્યો. કુરૂક્ષેત્રના યુધ્ધ બાદ પોતાના ફોઈ કુંતીએ તેમને વેધક પ્રશ્ન પુછ્યો કે શું આ વિનાશ રોકવાનું તારા હાથમાં ન હતું ? ત્યારે માત્ર સામાન્ય માનવીની જેમ પોતે શક્ય હતું તે બધુ જ કરી છુટ્યાનો ક્ષુલ્લુક બચાવ કરનાર વિધાતાના લેખને આધીન એવા શ્રીકૃષ્ણને કોણ ઓળખી શકે. સમ્યંતક મણિ ના અભિશાપને જાણનાર કૃષ્ણ જાણી જોઈને તે પ્રાપ્ત કરવા અધીર બને અને પછી ચોરીનું આળ પણ હસતે મ્હોંએ સ્વીકારે ત્યારે સામાન્ય રીતે લાગે કે શુ આ પ્રભુ હોઈ શકે ? તો આનો જવાબ છે હા કારણ કે રામ એ મર્યાદા પૂરુષોત્તમ સ્વરૂપ હતું પરંતું કૃષ્ણએ પૂર્ણપૂરુષોત્તમ સ્વરૂપ છે. આજના સમયમાં ડગલે પગલે રામ કરતાં કૃષ્ણ આપણા જીવનના દરેક પ્રસંગોમાં આપણને સમાધાન પૂરુ પાડે છે. કૃષ્ણ હજારો વર્ષોથી આપણી વચ્ચે જીવ્યા છે અને રોજ કંઈ કેટલાય પાર્થને ગીતા જ્ઞાન આપી પોતાનું કર્તવ્ય પુરુ કરવા પરોક્ષ રીતે પોતાની હાજરીનો પુરાવો આપે છે. 

વિધાતા દ્વારા કર્મફળના ભાગરૂપે કહો કે ભગવાન પરશુરામે તથા ગાંધારીએ આપેલ શ્રાપના ફળસ્વરૂપે દ્વારિકામા મદ્યપાન અને વિલાસી જીવનશૈલીએ જ્યારે યાદવકુળના યાદવોની માંહેમાંહની લડાઈ અને તેના દ્વારા હોમાતી જીંદગીઓએ પ્રભૂ શ્રી કૃષ્ણને પણ ચોક્કસપણે દુઃખી કર્યા અને આ યાદવાસ્થળીથી ત્રસ્ત થઈને ખિન્ન હ્રદયે એકલા અટુલા પડી ગયા ત્યારે તેઓને પોતાની પટરાણીઓ નહી પણ પ્રિય સખી એવી રાધા યાદ આવી કારણ કે પોતાની પટરાણીઓને તો પ્રભુ હમણાં સવારે જ દ્વારિકામાં છોડીને નીકળ્યા હતા પરંતું વર્ષો પહેલા વૃંદાવનમાં એકલી મુકી ચાલ્યા હતા તે રાધાને પણ અન્યાય થયો હતો. પોતાની પ્રિય સખી રાધાની યાદ ન આવે તે માટે વૃંદાવનમાંથી પ્રસ્થાન કર્યા બાદ જે વેણુને પોતે પોતાના હોઠના સ્પર્શ કરાવ્યા ન હતા તે મોરલી આજે પોતાના હ્રદયે લગાવી બે ઘડી રાધાજીને યાદ કરી વર્ષો જુનો વિરહ દૂર કરી એવા સુર રેલાવ્યા કે ત્રણે લોકમાં રાધાજીની સુવાસ પ્રસરી ગઈ અને એ કૃષ્ણના હ્રદયમાં રાધાવિરહના એવા વલોપાત નિકળ્યા હશે કે તેને અનુભવવામાં આપણે કૃષ્ણભક્તો વામણા પૂરવાર થઈએ. ચલચિત્રોમાં નાયક નાયિકાના વિરહે આંસું સારતા આપણે ક્યારેય આપણા અંતરમનમાં વિરાજતા મહાનાયકના વિરહથી દુઃખી થયા છીએ? આપણે તો માત્ર મંદિરોમાં જઈ રાધેકૃષ્ણ બોલવુ રહ્યું કે પછી નાના અણ સમજુ બાળકના બે હાથ પકડી રાધે રાધે શીરા પુરી ખાજે શીખવી પોતે શીરા પુરીની જ્યાફત ઉડાવવી તે જ માત્ર રાધાના નામનો ઉપયોગ રહ્યો છે.

આટલું વાંચ્યા પછી એક પ્રશ્ન સહજ રીતે મનમાં થાય કે શું પ્રભુ રાધાને આટલો બધો પ્રેમ કરતા હોય અને તેમ છતાં પણ જીવનભર પોતાનાથી રાધાજીને અળગા રાખવાનું કારણ શું?, જે કૃષ્ણ રૂકમણિના એક માત્ર પ્રેમસંદેશથી તેનું હરણ કરે તેમના દ્વારા રાધાજી ને આવો અન્યાય શા માટે? 

આનો જવાબ છે કૃષ્ણે ક્યારેય રાધાજીને અન્યાય કર્યો જ નથી કારણ કે રાધાજીને તેમણે તેમના હ્રદયસામાજ્ઞી બનાવ્યા હતા. કૃષ્ણે વૃંદાવન છોડ્યા બાદ બંસીના સૂર ન છેડ્યા કારણ તે બંસી તો તેમણે રાધાજીને સોંપી દીધી હતી. રાધાજીએ વૃદાવન છોડતા કૃષ્ણને કહ્યું હે શ્યામ તમારે હવે લોક કલ્યાણના કાર્યોને મૂર્ત સ્વરૂપ આપવાનું છે ત્યારે ક્યાંક તમારી આ બંસીના સૂર તમને મારી યાદ અપાવી જાય તો આપણી પ્રીતને લાંછન લાગે માટે આજ થી આપની આ મોરલી મને સોંપી દો. આ જોતા જો રાધા ના હોત તો કૃષ્ણનું કોઈ અસ્તિત્વ નથી અને માટે જ આપણે સૌ જાણ્યે અજાણ્યે રાધાકૃષ્ણ ના જયકાર કરીએ છીએ નહી કે રૂકમણીકૃષ્ણ કે પછી જાંબવંતીકૃષ્ણ વગેરે. અરે જે કૃષ્ણે લોકકલ્યાણર્થે શંખ ફૂંક્યો તે કૃષ્ણના મંદિરોમાં પણ આપણે રાધાજીને જ સ્થાન આપ્યું અને સાથે તેમના પ્રિય મોરલીધર કારણ કે કૃષ્ણની અન્ય પટરાણીઓતો માત્ર અને માત્ર લોકકલ્યાણના ભાગરૂપે આવી હતી જેમને પટરાણી બનાવવા મોરલીધરે મોરલી નહી પણ પંચજન્ય શંખ ફૂંક્યો હતો. 

અંતમાં કોઈપણ જાતના શાસ્ત્રાર્થ વગર આપણા સૌની સર્વ સામાન્ય સમજમાં સ્વીકારાય તેવો એક જવાબ કે આજકાલ સમાજમાં દામ્પત્યજીવનમાં જે કિસ્સાઓ બની રહ્યા છે તેની જાણ કરોડો વર્ષ પહેલાં પૂર્ણ પુરૂષોત્તમ કૃષ્ણને હતી માટે તેમણે માનવ અવતાર ધારણ કરી પ્રેમનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું અને જ્ઞાન આપ્યું કે પ્રેમ એ મનથી અનુભવાય છે નહી કે તનના સહવાસ થી…. 

– હેતલકુમાર ભટ્ટ

Advertisements

No Responses to “રાધા વિરહ”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: